indibans logo

INDIBANS MANAGED BY

Shree Ambica Bamboo Furniture And Craft
Livelihood Traning Center

Indibans
raju gayakwad

મારો ટૂંકો પરિચય :

હું રાજુભાઈ વાળલભાઈ ગાયકવાડ, મારો જન્મ ૧૨ મી મે, ૧૯૮૯ ના રોજ પ્રકૃતિના ખોળામાં વસેલ ડાંગ જિલ્લામાં આવેલ વઘઈ તાલુકાના આંબાપાડા ગામે થયેલ છે. જે ગામની બાજુમાં અંબિકા નદી પર ખુબજ રમણિય અને આનંદદાયક પ્રવાસન સ્થળ ગીરાધોધના નામે એક ધોધ આવેલ છે. મારા પિતાશ્રી વાળલભાઈ કાળુભાઈ ગાયકવાડ પોતે સાલ-૧૯૭૫ થી વાંસમાંથી જુદીજુદી હસ્તકલાઓ બનાવે છે, જેમના માર્ગદર્શન અને મારી હસ્તકલામાં રૂચિ અને પોતાના કૌષલ્યથી મેં આજે અહીં સુધીની સિધ્ધિઓ મેળવેલ છે. અભ્યાસની વાત કરૂં તો ધોરણ ૧૨ સુધીના અભ્યાસ બાદ વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૮ ના ૨ વર્ષ સુધી વાંસના રમકડાં તથા વાંસમાંથી બનતા ફર્નિચર અંગેની તાલિમ મેળવેલ છે તથા અન્ય તાલિમાર્થીઓને તાલિમ પણ પૂરી પાડેલ છે.

જોબ :

ટ્રેનિંગ બાદ વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી ગ્રામ ટેક્નોલોજી રૂરલ ડેવલોપમેન્ટ, ગાંધીનગર ખાતે ટ્રેનર તરીકે ક્રાફ્ટ્સની તાલિમ આપેલ ત્યારબાદ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૨ સુધી ઈન્સ્ટ્રક્ટર તરીકેની સેવા સંતોષકારક આપતાં ડિઝાઈનર તરીકેની ફરજ મને સોંપવામાં આવી જેમાં મારે વાંસ હસ્તકલામાંથી બનતા પ્રોડક્ટ્સના ડિઝાઈન તૈયાર કરવાનું રહેતું હતું.

જોબ છોડવાનું કારણ :

મારા ગામ નજીક પર્યટન સ્થળ ગીરાધોધ આવેલ હોઈ જેથી ગામના ઘણા યુવાનો પોતાની આજીવિકા માટે ખુબ નાના પાયે વાંસ હસ્તકલાના ધંધામાં જોડાયેલ હતા જેથી આ યુવાનો પોતે પગભર બની સારી આવક મેળવી તેવા આશયથી તેમજ વાંસ હસ્તકલા મારા પિતાશ્રી તરફથી વારસામાં મળેલ હોઈ જેથી મારા પિતાશ્રીના ધંધાને આગળ વધારવાના હેતુથી મેં મારો પોતાનો વાંસ હસ્તકલાનો બિઝનેસ શરૂ કરવાનો નિશ્ચય કરી ગ્રામ ટેક્નોલોજી રૂરલ ડેવલોપમેન્ટ, ગાંધીનગર ખાતેથી ડિઝાઈનર ઈન્સ્ટ્રક્ટર તરીકેનો બહોળો અનુભવ મેળવી પોતાની ફરજમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું.

ધંધાની શરુઆત :

વર્ષ ૨૦૧૩ માં ૨ યુવાનો રાખી નાના પાયે ધંધાની શરૂઆત કરી. ત્યારબાદ વધતા ઓર્ડરને પહોંચી વળવા માટે વધારે માનવબળની જરૂર હોવાથી ધંધાનું વિસ્તરણ કરવાનો વિચાર કરી ગામના સાથીમિત્ર શ્રી વિજયભાઈ ગાવિત સાથે આગાખાન સંસ્થાના કર્મચારી શ્રી વિનીતભાઈના સહકારથી લઘુ ઉદ્યોગ “શ્રી અંબિકા બામ્બુ ફર્નિચર એન્ડ ક્રાફ્ટ એન્ડ આજીવિકા તાલિમ કેન્દ્ર” ની સરકારમાંથી માન્યતા મેળવી વર્ષ ૨૦૧૭ માં કારીગરો તેમજ હેલ્પરોનો ૧૫ થી પણ વધુ સ્ટાફ રોકી થોડા મોટા પાયે ધંધાની શરૂઆત કરી. દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ., ડૉ. ધીરજ મિત્તલ સાહેબે વન વિભાગમાંથી રો મટીરીયલ્સ અને વિજ જોડાણ કરાવવામાં સહકાર આપ્યો તથા આગાખાન સંસ્થા, ટાટા ટ્રસ્ટ તેમજ એક્ષિસ બેંક તરફથી જરૂરી મશીનરી ફાળવવામાં સહકાર આપ્યો સાથેસાથે રો મટીરીયલ્સ માટે વધુ નાણાંકીય જરૂરીયાતના કારણે મારી પોતાની EECO કારની સામે HDFC બેંકમાંથી રૂ. ૪,૧૩,૦૦૦/- ની લોન મેળવેલ હતી. જેથી મોટી સંખ્યામાં મળતા ઓર્ડર સમયસર પૂરા કરતા ગયા અને તેમાંથી ઉભી થતી આવકમાંથી કામદારોના પગાર, મશીનરીની ખરીદી તથા હાર્ડવેરનું સામાન, ઈલેક્ટ્રીસીટી બીલ, બામ્બુ રો મટીરીયલ્સ વિગેરેમાં ઉપયોગ કર્યો. સુચારૂ આયોજનના કારણે ધંધો વ્યવસ્થિત ચાલતો હતો પરંતુ કોરોના (Covid-19) મહામારીના કારણે વર્કશોપ આશરે બે વર્ષ માટે બંધ રાખેલ હતો.

વર્ષ ૨૦૨૧ માં આશરે ૧૫ જેટલા કામદારોના સ્ટાફનું સંકલન કરી ફરીથીસાહસ કરીનેવર્કશોપ કાર્યરત કર્યું પરંતુ તેમાંથી કેટલાક કામદારો નવા હોવાથી પ્રોડક્શનમાં ઘટાડો નોંધાતો હતો જેથી અમુક ઓર્ડરો સામેથી રદ્દ કરવા પડતા હતા. પરિણામે અમુક અંશે ધંધામાં ખોટ થવા પામતી હતી. ત્યારબાદ વધુ પરિશ્રમના કારણે કામદારોના હાથ ઉપર કામ આવી જતાં પ્રોડક્શનમાં ધીમી ગતિથી વધારો થતો ગયો. જેથી મોટી સંખ્યામાં મળતા ઓર્ડરોનું સુચિત સમયમાં સંપૂર્ણ ફિનીશીંગ સહિત અને ક્ષતિ રહિત પ્રોડક્શન સપ્લાય કરવાના કારણે ધંધો ફરીથી પુરજોશથી આગળ વધવા લાગ્યો.

Indibans ની શરૂઆત

મારા પિતાશ્રીના વ્યવસાયને આગળ લઈ જવાની મહેચ્છા તથા ડાંગ જીલ્લાની નામના મેળવવાના આશયથી પોતાના વર્કશોપમાં તૈયાર થતી વાંસની બનાવટો આખા દેશમાં પ્રસિધ્ધ થાય તે માટે શ્રી અંબિકા બામ્બુ ફર્નિચર એન્ડ ક્રાફ્ટ એન્ડ આજીવિકા તાલિમ કેન્દ્રની જ અન્ય એક શાખા Indibans ની શરૂઆત કરી. તેમજ શ્રી અશ્વિનભાઈ ચૌધરી, રહે. ખીરમાણીએ પોતે અહીંથી તાલિમ મેળવી તેઓ પણ પોતાના ગામમાં વાંસની બનાવટો બનાવી રહ્યા છે અને આશરે ૧૫ જેટલા કામદારોને રોજગારી આપી રહ્યા છે જે ખરેખર એક આનંદની વાત છે. અમદાવાદ ખાતેની TRIFED સંસ્થામાં અમારી આશરે ૫૦ થી પણ વધુ બનાવટોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે તથા અન્ય સ્થળોએથી વેપારીઓ સીધો સંપર્ક કરી અમારી પાસેથી મોટી માત્રામાં બનાવટોનો જથ્થો લઈ જઈ રહ્યા છે. જેથી ગામના ઘણા કામદારો વર્કશોપમાંથી પોતાની અજીવિકા મેળવી રહ્યા છે.

વર્કશોપમાં વાંસમાંથી ઘણીબધી સુશોભનની સામગ્રીઓ તથા ફર્નિચર બનાવવામાં આવે છે જેમાં ચાના કપ, બામ્બુ બોટલ, ટ્રે, પેન સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, મીણબત્તી સ્ટેન્ડ, કી-સ્ટેન્ડ, બાસ્કેટ, હેંગીંગ-ટેબલ લેમ્પ, ફ્લાવર પોર્ટ, જ્વેલરી બોક્ષ, વોલ ગણપતિ, બળદ ગાડું, બોટ, ટેબલ-ખુરશી, સોફા, બેડ, ટીપોઈ, સ્ટૂલ, આરામ ખુરશી, ડાઈનીંગ ટેબલ સેટ, ઓફિસ ડેકોરેશન, બામ્બુ ફેન્સીંગ, હોલ ડેકોરેશન વિગેરે જેવી વસ્તુઓ/પ્રવૃત્તિઓની માંગણી વધારે રહે છે.